ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો
ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો |National Parks in Gujarat
(1)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (Gir Forest National Park)
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણ્ય, (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) તે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભ્યારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરાયેલ,તે કુલ ૧૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી. અભ્યારણ્ય) ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન,જુનાગઢથી લગભગ ૬૫ કી.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે.આ એશિયાઇ સિંહો (Pantheraleopersica)નું એકમાત્ર રહેઠાણ છેએપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા,જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨ નો વધારો સુચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં,બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસ્લને રક્ષણ અપાયેલ છે.ગીર વિસ્તારમાં હિરણ,શેત્રુંજી,ધાતરડી,શિંગોડા,મછુન્દ્રી,ઘોડાવરી અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે હિરણ,મછુન્દ્રી,રાવલ અને શિંગોડા પર,આવેલ છે તે સહીત સૌથી મોટો જળસ્ત્રોત કમલેશ્વર બંધ,કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળસ્ત્રોતો છે.
(2) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર)(Marine National Park, Gulf of Kutch)
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ કચ્છના અખાતમાં આવેલું એક દરિયાઈ અભયારણ્ય છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે જામનગર જિલ્લામાં આવેલું છે. ૧૯૯૦માં, ઓખાથી લઈને જોડીયા સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભ્યારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ છે પીરોતમ અને કારુભર. અહીંની પ્રાણી સૃષ્ટિમાં: પરવાળા,ડ્યૂગોંગ અને પક્ષરહીત પોર્પસ.
(3)વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન (Vansda National Park )
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે, જેમાં દક્ષિણ ગુજરાતનાં અને ખાસ કરીને ડાંગનાં ગાઢ વનોનો સમાવેશ થાય છે.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીને કિનારે સ્થિત છે જે લગભગ ૨૪ ચો. કિમી વિસ્તારમાં પથરાયેલો છે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા ચિખલીથી આશરે ૬૫ કિમી પૂર્વે તથા વલસાડથી લગભગ ૮૦ કિ.મી.નાં અંતરે આવેલો છે. વાંસદા કે જેના નામ પરથી આ સુરક્ષિત વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું છે, તે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે, જ્યાં મોટેભાગે આદિવાસી વસ્તી છે. વાંસદા-વઘઇ રાજ્ય ધોરીમાર્ગ આ રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ દિશાની સીમા પાસેથી પસાર થાય છે, અને એટલું જ નહી,વઘઇ અને બીલીમોરાને જોડતી સરા લાઇન તરિકે ઓળખાતી નેરો ગેજ રેલ્વે લાઇન પણ આ ઉદ્યાનની ઉત્તર દિશામાંથી પસાર થાય છે.૧૯૭૯માં રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવેલા આ સુરક્ષિત વિસ્તારમાં મહદ્ અંશે પાનખરનાં જંગલો આવેલાં છે, જેમાં સ્થાનિક ભાષામાં "કટસ" તરિકે ઓળખાતા વાંસનાં વનો આવેલાં છે, જે તેની શોભા વધારે છે
(4)વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન (Blackbuck National Park)
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જીલ્લાના વેળાવદર પાસે આવેલું છે.
૧૯૭૬માં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્રના ભાલ ક્ષેત્રમાં આવેલ છે. આ ઉદ્યાન જીલ્લા મુખ્યાલય ભાવનગરથી ૭૨ કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની "વીદી"(ઘાસ ભૂમિ) હતી. આ ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા વગડાઉ જમીન આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B ગુજરાત - રજવાડાનું ઉપ-શુષ્ક જીવ-ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું છે. સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે જેના પર કાળિયારૢ વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં, તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આજે, આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે.
Comments
Post a Comment